રાણાવાવની સરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મરણવંદના કાર્યક્રમ યોજાયો

 રાણાવાવની સરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મરણવંદના કાર્યક્રમ યોજાયો

પોરબંદર, તા. ૦૨,

પોરબંદર જિલ્લાના રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મરણ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતી વિભાગના પ્રોફેસર એમ.એ. પટેલે ગુજરાતી સાહિત્યના શિરોમણી મેઘાણી વિશે વક્તવ્ય આપ્યું હતું.

૨૮ મી ઓગષ્ટ એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ આપ્યું હતું તેવા ગુજરાતના સાહિત્યના શિરોમણી, તળપદી-સોરઠી ભાષાના જાણકાર, કવિ, લેખક, વિવેચક, પત્રકાર, તંત્રીકાર, વાર્તાકાર, નવલકથાકાર અને સાહિત્યના સંશોધક, સંપાદક, બહુમુખી પ્રતિભા ધરાવનાર ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણોને વાગોળ્યા હતા. તેમના જીવનકાળ દરમિયાન ૮૮ થી વધુ પુસ્તકોમાં કવિતા, વાર્તા, નવલકથા, નાટક, જીવનચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ વર્ણન, તંત્રીલેખો, સંશોધન, સંપાદન, વિવેચન સહિતના ક્ષેત્રોમાં પોતાની કલમ ચલાવી ગરવા ગુજરાતની ઓળખને વિશ્વફલક પર પહોંચાડી હોવાનું જણાવાયું હતું. 

રાણાવાવની સરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મરણવંદનાના કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું પ્રો. ડો. મયુર ભમ્મરે જણાવ્યું હતું.

Courtesy: Info Porbandar gog

Comments