પોરબંદરમાં યોજાયો શિક્ષક દિન : જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

 

પોરબંદરમાં યોજાયો શિક્ષક દિન : જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

૦૦૦

મહાનુભાવોના હસ્તે ૪ શ્રેષ્ટ શિક્ષકો અને ૧૬ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ

 ૦૦૦ 

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપીને બિરદાવવામાં આવ્યા

૦૦૦

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

પોરબંદર, તા. ૦૫, 

પોરબંદર શહેરમાં આવેલ બિરલા હોલ ખાતે પોરબંદર જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

કહેવાય છે કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. વિદ્યાર્થીઓની કારકિર્દીમાં શિક્ષકોનું ખૂબ મહત્વ છે, ત્યારે ભારતના શિક્ષકોને તેમના અથાક પ્રયત્નો અને સમર્પણભાવ માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે.  

દર વર્ષે ૫ સપ્ટેમ્બરે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય તહેવારના આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ એક મહાન શિક્ષક, વિદ્વાન અને દાર્શનિક હતા. શિક્ષક તરીકે તેમની કર્મનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠા ને હ્રદયમાં અદકેરું સ્થાન આપી તેમની એ નિષ્ઠાને પોંખવા માટે આ દિવસની સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ બિરલા હોલ ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ૧ અને તાલુકા કક્ષાએ ૩ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૬ પ્રતિભાવશાળી વિદ્યાર્થિને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરબતભાઈ પરમારે સમાજમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન હોવાનું જણાવ્યું હતું. બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું યોગ્ય સિંચન થાય તે આજની પરિસ્થિતિની સૌથી મોટી માંગ છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો શુભેચ્છા સંદેશ વંચાવી સંભળાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા એ જણાવ્યું હતું કે શિક્ષક બાળકોના જીવનનું ઘડતર કરે છે અને એક નવા ભારતના નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે.



આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. બી. ઠક્કર દ્વારા પણ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જીવનમાં શિક્ષણનું મહત્વ અને સર્વાંગી વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
ઉપરાંત તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા સંગીતાબેન કરસનભાઈ મોઢવાડિયા એ પણ તેમનું સન્માન થયું તે બદલ પ્રતિભાવ આપ્યો હતો.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિનોદ પરમારએ કર્યું હતું જ્યારે આભારવિધિ સંદીપભાઈ સોનીએ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રિધ્ધીબેન ખૂટી, અગ્રણી અરશીભાઈ ખુટી સહિત શિક્ષણ સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Comments