પોરબંદર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આદિતપરાની શાળાની શિક્ષિકાને એનાયત થયો

 પોરબંદર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આદિતપરાની શાળાની શિક્ષિકાને એનાયત થયો



શિક્ષિકાએ ૧૩ વર્ષની શિક્ષણ યાત્રામાં અથાગ પરિશ્રમ, નવિનતાની ફલશ્રુતિ સ્વરૂપે એવોર્ડ એનાયત થયાનો આનંદ વ્યક્ત કર્યો 

ooo

બાળકોને નવતર પ્રયોગોથી શિક્ષણ, પ્રતિભાઓની પરખથી તૈયાર કરી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવાની સરાહનીય કામગીરી કરી

oooooo

પોરબંદર, તા. ૦૫, 

પોરબંદરમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી શિક્ષક દિન તરીકે બિરલા હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડથી આદિતપરાની પ્રાથમિક શાળાની શિક્ષિકાનું સન્માન થયું હતું.

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ પ્રસંગે બિરલા હોલ ખાતે આદિતપરા પ્રાથમિક શાળાના શિક્ષિકા ડો. પ્રજ્ઞાબેન બાબુભાઈ જોષીને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ માનવ વિકાસનું આવશ્યક ઘટક છે. માત્ર અને જ્ઞાન અને માહિતીના સંશય સુધી મર્યાદિત નથી, પરંતુ તેની ઘણી વ્યાપક ભૂમિકા છે. શિક્ષણ આપણા વ્યક્તિત્વને આકાર આપે છે. વિવેચનાત્મક રીતે વિચારવાની, સર્જનાત્મક બનવાની અને પરિવર્તન સાથે અનુકુલન કરવાની ક્ષમતા વિકસાવવામાં મદદ કરે છે. જેથી દરેક વ્યક્તિ ગુણવત્તાયુક્ત શિક્ષક મેળવે તે મહત્વનું હોવાનું જણાવ્યું હતું. તેઓએ ૧૩ વર્ષની શિક્ષણ યાત્રામાં અથાગ પરિશ્રમ, નવિનતાની ફલશ્રુતિ સ્વરૂપે એવોર્ડ એનાયત થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. 

આદિતપરા પ્રાથમિક શાળામાં બાળકોને નવતર પ્રયોગોથી શિક્ષણ આપવું, બાળકોમાં રહેલી પ્રતિભાની પરખ કરી, વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર કરવા, કલા ઉત્સવ, કલા મહાકુંભ, વાર્તાલેખન, વિજ્ઞાન મેળાની સ્પર્ધાઓમાં પૂરતું માર્ગદર્શન આપી સ્પર્ધાઓની તૈયારી કરાવવામાં શિક્ષિકા પ્રજ્ઞાબેન જોષીની સરાહનીય કામગીરી રહી છે. 

૦૦૦ ૦૦૦ ૦૦૦

#HappyTeacherDayGuj

#CmAtTeachersDayGuj

Comments