પોરબંદર : શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનાર રાણાવાવના જપર સીમશાળાના શિક્ષિકાએ આપ્યો પ્રતિભાવ

 પોરબંદર : શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનાર રાણાવાવના જપર સીમશાળાના શિક્ષિકાએ આપ્યો પ્રતિભાવ




વિદ્યાર્થીઓને પોતાના બાળક માની તેમના અભ્યાસ પાછળ મહેનત કરૂં છું : શિક્ષિકા સંગીતાબેન મોઢવાડિયા


પોરબંદર, તા. ૦૪, 

પોરબંદર જિલ્લામાં બિરલા હોલ ખાતે શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે આવતીકાલે સન્માનિત થનાર શિક્ષિકા સંગીતાબેન મોઢવાડિયાએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, હું આ શાળામાં છેલ્લા ર૭ વર્ષથી ફરજ બજાવી રહી છું. શાળામાં અભ્યાસ કરતા બાળકોને હું પોતાના બાળકો સમજીને તેમના અભ્યાસ પાછળ મહેનત કરૂં છું. શાળાએ અભ્યાસ માટે આવતા બાળકોને હું મારા જ બાળકો સમજીને શૈક્ષણિક કાર્ય કરાવું છું. શરૂઆતથી જ મને આર્ટ એન્ડ ક્રાફ્ટ, ચિત્રકલાનો શોખ છે. મારા શોખથી હું બાળકો માટે અવનવી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહું છું. આ સમય દરમિયાન ઈનોવેશનમાં તેમનું પ્રદર્શન કરવાની મને જાણ થતા ‘ઈનોવેશન એજ્યુકેશન ફેસ્ટીવલ’માં ભાગ લીધો હતો અને આ ફેસ્ટીવલમાં મારી રાજ્યકક્ષાએ પસંદગી થઇ હતી. ગયા વર્ષે પણ મેં ઝોન કક્ષા સુધી ભાગ લીધો હતો. હાલ હું નાના બાળકોને અભ્યાસ કરાવું છું અને મને તેઓની સાથે કામ કરવું ખૂબ ગમે છે જે પોતાની માતાનો હાથ મૂકી આપણી પાસે આવે ત્યારે તે બાળકોને માથે હાથ મૂકી સ્નેહ અને પ્રેમ પૂરો પાડવાથી શાળા પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. રડતા રડતા શાળાએ આવતા બાળકોને વહાલ અને પ્રેમ પૂરો પાડવાથી તેને તેની માતાથી પણ વિશેષ શાળા ગમતી થઈ જાય છે. આમ, બાળકોનો વિશેષ પ્રેમ મળવાથી મારી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા હું આનંદની લાગણી વ્યક્ત કરૂં છું.


Comments